દારફરની ધરતી: યુદ્ધ, પ્રેમ અને આશાની કથા

સુદાન જતા પહેલા કામને સમજવા માટે મારે લંડન જવાનું થયું જ્યાં સંસ્થાનું વડુમથક હતું. આ મારો લંડનનો બીજો પ્રવાસ હતો, ઘેરથી નીકળ્યો ત્યારે મારા દીકરાએ મને ભારપૂર્વક કહ્યું હતું કે પપ્પા આ વખતે લંડનમાં એકાદ દિવસ કાઢીને ત્યાંના જોવાલાયક સ્થળોની મુલાકાત જરૂર લેજો, એની વાત માની મારું ઓફિસનું કામ પૂરું થયું એટલે એક દિવસ હું થેમ્સ નદી, બીગ બેન, બકીંગહામ પેલેસ જોવા ગયો, એ બધું જોવામાં મને ખાસ અભિરુચિ નહોતી. મારુ મન તો હતું સુદાન જલ્દી પહોંચવાનું. સાંજે હિથ્રો વિમાન મથકેથી ખાર્ટૂમ જવા હું નીકળ્યો, વચ્ચે લેબનોનના બૈરૂત એરપોર્ટ પર પ્લેન એકાદ કલાક રોકાયું, બીજે દિવસે સવારે હું સુદાનની રાજધાની ખાર્ટૂમ પહોંચ્યો.

ખાર્ટૂમમાં ત્રણ દિવસ રોકાયો, આ શહેરના પહોળા રસ્તાઓ, પીળા રંગની જૂની ટેક્સીઓ, શહેરની હવામાં ધૂળ અને ઇતિહાસની સુગંધ ભળેલી હતી, ઉનાળાની શરૂઆત થઇ ચુકી હતી. ખાર્ટૂમ શહેરને અડીને ઓમદુરમાન શહેર છે જ્યાં સફેદ નાઈલ અને વાદળી નાઈલનો સંગમ થાય છે તે જોવો એ એક અનોખો અનુભવ હતો. બે નદીઓ, બે રંગો, એકબીજામાં ભળીને એક નવું જીવન રચી ઇજિપ્તમાં જતી. બીજા દિવસની સાંજે હું નાઈલના કિનારે બેઠો હતો, ત્યારે એક વૃદ્ધ જેઓ અંગ્રેજી પણ સારું બોલી શકતા હતા એમણે મને સુદાનની પ્રાચીન કથાઓ સંભળાવી, જેમાં નાઈલની યાત્રા, ૧૫૦ વરસો પહેલા ભારતમાંથી આવીને સુદાનમાં વસેલા ગુજરાતી વેપારીઓ, કેરીને અહીં લોકો માંગા હિન્દ (માંગા એ મેંગોનું અપભ્રંશ નામ) અને શક્કરીયાને બમ્બૈયા કહે છે કારણ કે તે ભારતમાંથી અહીં આવ્યા હતા, લીમડો પણ ભારતમાંથી સુદાનમાં આવેલો અને એ ઉપરાંત એમણે અંગ્રેજોથી આઝાદી મળ્યા પછીના સુદાનના રાજકારણની વાતો કહી.

ચોથા દિવસે સવારે, હું ખાર્ટૂમથી પશ્ચિમ દારફર જવા નીકળ્યો, વિમાન ટેક ઓફ થયું ત્યારે નવ વાગ્યા હતા, હું જે વિમાનમાં સવાર હતો તે વિમાન રણની ઉપરથી ઉડી રહ્યું હતું, બારીમાંથી નજરે પડતી સોનેરી રેતીની ચાદર મને મંત્રમુગ્ધ કરતી હતી, એ અફાટ રણની નીચે દુનિયામાં સૌથી વધારે ઓઇલ અને ખનીજોનો ભંડાર છે જે ત્યાંના યુદ્ધનું મુખ્ય કારણ છે, બારમાસી નાઇલ નદી દેશમાંથી વહે છે તોય આ દેશની ખેતી સમૃદ્ધ નથી, આ એજ નાઇલ છે જેના થકી ઇજિપ્તની ખેતી સમૃદ્ધ થઇ છે. હું આ બધું વિચારતો હતો અને મારી બાજુની સીટમાં બેઠેલી એક મહિલાએ મૃદુ અવાજે મને કહ્યું “હેલ્લો ” મારા વિચારોનો પ્રવાહ તૂટી ગયો. મેં પણ એમનું અભિવાદન કર્યું, પરસ્પર પરિચય કર્યો, તેનું નામ ફરીદા હતું જે ફ્રેન્ચ નાગરિક હતી પણ એનો જન્મ અફઘાનિસ્તાનમાં થયેલો અને એ 7 વરસની હતી ત્યારે એના માતાપિતા એને લઈને ફ્રાન્સમાં વસી ગયા હતા. ફરીદા પણ એક માનવસેવી સંસ્થા સાથે કામ કરતી હતી અને પ્રથમ વાર જેનેઇના જઈ રહી હતી. અમે સુદાનના સંઘર્ષ, દારફરની માનવીય કટોકટી અને તેના રાજકીય પરિણામો વિષે ચર્ચા કરી. જયારે વિમાન જેનેઇનાની ધરતી પર ઉતરી રહ્યું હતું, ત્યારે મેં બારીમાંથી બાઓબાબના (જેનું ગુજરાતી નામ રૂખડિયો અને વૈજ્ઞાનિક નામ Adansonia છે જે મૂળે આફ્રિકાનું વૃક્ષ છે) જાડા થડવાળા વિશાળ વૃક્ષો જોયા, ઉલ્ટી ડાળીઓ આકાશ તરફ હાથ લંબાવીને આકાશનું અભિવાદન કરતી હોય એવું લાગે.

દારફરની ધરતી યુદ્ધની આગ અને જીવનની આશાથી ભરેલી છે. 2003થી શરૂ થયેલો દારફર સંઘર્ષ, જેણે લાખો લોકોના જીવ લીધા અને લાખો લોકોને વિસ્થાપિત કર્યા, આવા વાતાવરણમાં, હું દારફરમાં એક આંતરરાષ્ટ્રીય માનવસેવી સંસ્થામાં કામ કરવા આવ્યો હતો. આફ્રિકાની ધરતી પર કામ કરવાનો આ મારો પહેલો અનુભવ હતો. ધૂળભરી હવા, ગધેડા પર સવારી કરીને જતા લોકો,વ્હીલબેરોમાં ભરેલા નારંગીના ફળો, ઉષ્માભેર આપસમાં મળતા લોકો અને લોકોની આંખોમાં ઝળકતી અદમ્ય ઇચ્છાશક્તિએ મને પહેલા જ દિવસે અચંબિત કરી દીધો. દારફરની સંસ્કૃતિ, જે ફર, મસાલીત અને ઝગાવા જાતિઓના વૈવિધ્યથી રંગાયેલી છે.

મારી ટીમમાં ગેતાન દુહામેલ નામનો કેનેડિયન સહકર્મી હતો, જેનો રમુજી અને હાજરજવાબી મિજાજ ગંભીર વાતાવરણમાં હળવાશનો અનુભવ કરાવતા. ગેતાન શાકાહારી હતો અને પહેલા દિવસે મને ગેસ્ટ હાઉસમાં આવકારતા કહ્યું, “શાકાહારી બંધુ તમારું અહીં સ્વાગત છે! અહીં આપણે બે જ છીએ, બાકી આ દારફરની ધરતી પર માંસાહારનો દબદબો છે!” તેની આંખોમાં રમૂજની સાથે યુદ્ધગ્રસ્ત લોકો પ્રત્યેની કરુણા ઝળકતી. ગેતાનની વાતોમાં દારફરના જબલ પર્વતની ઊંચાઈ, કજા નદીના કિનારે ઉગેલા ઘટાદાર આંબાના ઝાડ અને ઋતુઓની સાથે ખીલતાં ઘાસના મેદાનો જીવંત થઈ ઊઠતાં. ગેતાન મારા જવાથી ખૂબ ખુશ હતો અને એ મને ઘણી બધી જાણકારી આપવા ઉત્સુક હતો. એને મને કહ્યું સુદાનમાં પુરુષો સફેદ વસ્ત્રો અને સફેદ પાઘડી પહેરે છે, જે ત્યાંની અસહ્ય ગરમીનો સામનો કરવાની પરંપરા છે અને એવી બીજી ઘણી માહિતી એણે મને આપી. જેનેઇનામાં બંદૂકના ગોળીબાર રોજિંદી બાબત હતી, પણ સ્થાનિક લોકો તેની આદત પાડી ચૂક્યા હતા. મારા માટે આ ભયજનક અનુભવ હતો. શરૂઆતમાં,બંદૂકોના અવાજથી ગભરાઈને હું અમારા કેમ્પસના ચોકીદાર જેનું નામ ઝકરિયા હતું તેની પાસે જતો, જેઓ “માફી મુશ્કિલા” (કોઈ તકલીફ નથી) કહીને મને હિમ્મત આપતા. હું જોતો એમને ખરેખર ઉપરાઉપરી થતા બંદૂકના ધડાકાનો ડર લાગતો નહોતો અને એમ ધીરે ધીરે મારો ડર પણ ઓછો થયો.

એક મહિના પછી, હું વિસ્થાપિત લોકોની વેદનાઓ અને તેમની સ્થિતિસ્થાપકતાથી પરિચિત થઈ ગયો. એક સાંજે, ગેતાને મને કહ્યું, “તારે મોહમ્મદ યાગોબનું કાઉન્સેલિંગ કરવાનું છે.” યાગોબ, એક યુવાન સુદાની, તાજેતરમાં અમારી ટીમમાં જોડાયો હતો. “શું થયું છે?” મેં પૂછ્યું. ગેતાને ગંભીર થઈને કહ્યું, “એની પ્રેમિકા સાથે બ્રેકઅપ થયું છે. એ ખૂબ દુઃખી છે. વધુ તો એ જ તને કહેશે. અને હા, તું ત્રણ દિવસ પછી મોરની જાય છે, યાગોબને સાથે લઈ જજે ત્યાં જ એની સાથે વિગતે વાત કરજે.”

મોરનીની ફિલ્ડ વિઝિટ માટે અમે જેનેઈનાથી હેલિકોપ્ટરમાં રવાના થયા. યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં રોડથી મુસાફરી કરવાનું અસુરક્ષિત હોવાથી રાષ્ટ્રસંઘ (યુનાઈટેડ નેશન્સ) દ્વારા સેવાભાવી સંસ્થાઓના કર્મચારીઓ માટે હેલિકોપ્ટર અને નાના વિમાનોની ઓછા ભાડે વ્યવસ્થા કરી હતી. અમે મોરની પહોંચ્યા ત્યારે સવારના અગિયાર વાગ્યા હતા. અમારી સંસ્થા વિસ્થાપિતો, ખાસ કરીને વૃદ્ધો અને તેમના પરિવારો માટે કામ કરતી હતી. વિસ્થાપિતોના કેમ્પમાં પહોંચતાં, મેં વૃદ્ધોની આંખોમાં દુઃખની સાથે આશા જોઈ. યાગોબ અને સ્થાનિક કર્મચારીઓની મદદથી મેં તેમની વાતો સાંભળી. તેઓ અરબી બોલતા, જે મને ત્યારે નહોતું આવડતું (પણ પછીથી કામ ચાલી જાય એટલી અરબી ભાષા શીખ્યો હતો), પણ તેમની વેદના ભાષાની સીમાઓથી પર હતી. દરેકની કહાણી હૃદયદ્રાવક હતી, યુદ્ધે તેમના સ્વજનો છીનવી લીધા, ઘરો બાળી નાખ્યાં, અને ગામો ખંડેર બની ગયાં. છતાં, તેઓએ મોરનીના આ કેમ્પમાં નવું જીવન શરૂ કર્યું, જ્યાં સાંજે બાળકોના હાસ્ય અને વડીલોની વાર્તાઓ હજી જીવંત હતાં.

સાંજે, ગેસ્ટ હાઉસમાં ભોજન પછી, મેં યાગોબને એ શા માટે વ્યથિત છે તે વિષે વાતચીત કરવા કહ્યું, શરૂઆતમાં એણે વાત કરવાનું ટાળ્યું, પણ મારા આગ્રહ પછી એ બોલ્યો. “ મને જીવનમાં હવે રસ રહ્યો નથી, નોકરી કરું છું મારા માતાપિતા અને નાના ભાઈઓ માટે, સાદિયા મારું બધું હતી,”. યાગોબ અને સાદિયાનો પ્રેમ ખાર્ટૂમની યુનિવર્સિટીના કેમ્પસમાં ખીલ્યો હતો. તેઓ બંને સપનાઓના સાગરમાં ડૂબેલા હતા. યાગોબ, એક બુદ્ધિશાળી અને સંવેદનશીલ યુવાન, જે સામાજિક ન્યાય જેવા વિષયો પર ઊંડી ચર્ચા કરતો, અને સાદિયા, જેની આંખોમાં શાંતિ અને ઝનૂનનું અનોખું મિશ્રણ હતું. તેઓ નાઈલના કિનારે અવારનવાર ચાલવા જતા, જ્યાં સૂર્યાસ્તના નારંગી રંગોમાં તેમના હૃદયો એકબીજા સાથે વાતો કરતા. યાગોબને યાદ હતું કે એક સાંજે, સાદિયાએ તેનો હાથ પકડીને કહ્યું હતું, “યાગોબ, જો આ નાઈલ નદીઓની જેમ આપણે પણ હંમેશા એકબીજામાં ભળી જઈશું, કોઈ તોફાન આપણને અલગ નહીં કરી શકે.” તે શબ્દો યાગોબના હૃદયમાં ઊંડે કોતરાઈ ગયા હતા.તેઓ યુનિવર્સિટીના ગ્રંથાલયમાં સાથે વાંચન માટે જતા, જ્યાં સાદિયા ઇતિહાસના પુસ્તકોમાં અને યાગોબ સમાજશાસ્ત્રના પુસ્તકોમાં ખોવાઈ જતો. એકવાર, સાદિયાએ યાગોબની નોટબુકમાં લખેલી એક કવિતા જોઈ જેની પહેલી પંક્તિ હતી “તારી આંખોમાં નાઈલનું પાણી ઝળકે છે, અને તારા સ્મિતમાં મારું આખું વિશ્વ ખીલે છે.” સાદિયાનો ચહેરો શરમથી લાલ થઈ ગયો, અને તેણે યાગોબની સામે જોયા વિના કહ્યું, “તું કવિ બની જઈશ, યાગોબ.” તે ક્ષણમાં, યાગોબને લાગ્યું કે તેનું જીવન સાદિયાના આ સ્મિતમાં સમાઈ ગયું છે.

તેઓએ લગ્નનું સપનું જોયું હતું, એક નાનકડું ઘર, જ્યાં સાદિયા બાળકોને ઇતિહાસની વાર્તાઓ શીખવશે, અને યાગોબ પોતાની સામાજિક કાર્યની ઝુંબેશ ચલાવશે. લગભગ દર શનિવારના ઢળતા બપોરે, તેઓ ખાર્ટૂમની નાનકડી કાફેમાં જતા, જ્યાં ચા અને બેકલાવાની મીઠાશ વચ્ચે તેઓ ભવિષ્યની યોજનાઓ ગોઠવતા. યાગોબને યાદ હતું કે એકવાર સાદિયાએ તેની સામે જોઈને કહ્યું હતું, “યાગોબ, તું મારો સૌથી મોટો ખજાનો છે. દુનિયાની કોઈ મુશ્કેલી મને તારાથી દૂર નહીં કરી શકે.” તે શબ્દો યાગોબના હૃદયમાં એક અમર ગીત બની ગયા.

યાગોબને નોકરી મળી તે ખુશખબર આપવા માટે એને એક શનિવારે બપોરે સાદિયાને ખાર્ટૂમની એક રેસ્ટોરન્ટમાં મળવાનું નક્કી કર્યું અને તેઓ મળ્યા. તેણે વિચાર્યું હતું કે આ ખબર સાદિયાને ખુશીથી ઝૂમવા મજબૂર કરશે, પણ તેની આશાઓ તૂટી ગઈ. સાદિયાએ સ્મિત વગરના ચહેરે યાગોબને નોકરી મળી તે બદલ અભિનંદન આપ્યા. આ પહેલા યાગોબે ક્યારેય સાદિયાને આટલી ગંભીર જોઈ નહોતી. તે એકદમ ધીમા પણ મક્કમ અવાજે બોલી, “યાગોબ, મારા પિતા ઇચ્છતા નથી કે હું તારી સાથે લગ્ન કરું. એમણે મને ત્રણ દિવસ પહેલા મારી માતા અને ભાઈઓની હાજરીમાં સ્પષ્ટ કહ્યું છે કે જો હું તારી સાથે લગ્ન કરીશ તો તેઓ મારી સાથે કાયમ માટે સંબંધ તોડી નાખશે.” યાગોબના માથે પહાડ તૂટી પડ્યો. તેણે સાદિયાની આંખોમાં જોયું, જે આંસુઓથી ભરાઈ ગઈ હતી. “સાદિયા, આપણે લડીશું,” યાગોબે કહ્યું, પણ સાદિયાએ માથું હલાવીને કહ્યું, “હું મારા પરિવારને ગુમાવી શકું નહીં, યાગોબ. મને માફ કર.” લાંબી વાત કર્યા વગર સાદીયા ત્યાંથી નીકળી ગઈ. યાગોબનું મન અતિ દુઃખી હતું, એ ત્યાંથી સીધો જ નાઈલના કિનારે ગયો, એને સૂઝતું નહોતું કે હવે શું કરવું, મોડી સાંજ સુધી યાગોબ નાઈલના કિનારે એકલો બેઠો, જ્યાં તેમના પ્રેમની યાદો તેને રડાવતી હતી.

યાગોબે વાત ચાલુ રાખી “અમે નાઈલના કિનારે વચનો લીધા હતા, એકબીજાને ક્યારેય ન છોડવાના. પણ તેના પરિવારનું દબાણ તેના પ્રેમથી મોટું નીકળ્યું.” તેનો અવાજમાં આંસુ ભરાઈ ગયા. મેં ઉભા થઈને સાંત્વના આપવાના હેતુથી એનો હાથ પકડ્યો અને હું ચૂપચાપ એને સાંભળતો રહ્યો. એ બોલ્યો “દરરોજ રાત્રે, હું તેની લખેલી ચિઠ્ઠીઓ વાંચું છું, જેમાં તેણે મને હંમેશા ‘મારો નાઈલનો રાજકુમાર’ તરીકે સંબોધ્યો છે. હવે એ બધું સ્વપ્ન જેવું લાગે છે, મેં એને એકપણ વાર દુઃખી કરી નથી.” મેં તેને કહ્યું, જો આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ તો તે વ્યક્તિ આપણાથી દૂર થાય ત્યારે એ સ્વીકારી લેવું જોઈએ અને એથી વિપરીત કરીએ તો પોતાનું નુકશાન જ છે, તેં એને દુઃખ પહોચાડ્યું નથી એ તારી સારપ છે. જેટલો સમય તમે બંનેએ પરસ્પર પ્રેમ કર્યો એ બાબતે ખુશ થવાનું અને હવે એની મજબૂરી છે એમ સમજવાનું, એ એના જીવનમાં સુખી થાય એવું મનોમન વિચારવું એજ પ્રેમની ઊંચાઈ કહેવાય. સાદિયા તારા જીવનમાં આવી એ પહેલા પણ તારું જીવન હતું અને હવે એ તારાથી દૂર થઈ ગઈ છે તોય તારું જીવન તો છે જ ને. યાગોબ મારી સામે એના એક હાથ પર બીજો હાથ રાખી ખિન્ન ચહેરે ખુરશીમાં બેઠો હતો, મેં પૂછ્યું તું આ ભાર ક્યાં સુધી વેંઢારીશ? એણે મારા પ્રશ્નના પ્રત્યુતરમાં મને પ્રશ્ન કર્યો, તો શું સાદીયા એ મને દગો કર્યો ન કહેવાય? મેં કહ્યું આ સવાલનો જવાબ હા માં હોય તો તને કોઈ લાભ થવાનો છે? એ બોલ્યો લાભ તો નહીં થાય અને હવે એનો નિર્ણય એ બદલવાની નથી તેમછતાં તમે કહો છો એમ ભૂલી જવાનું એ સરળ પણ નથી. મેં સામે સવાલ કર્યો તારી નજીક પાણીનો ગ્લાસ પડ્યો છે એમાં પાણી ભર પછી તું એ પાણી ભરેલા ગ્લાસને કેટલા સમય સુધી સતત પકડી રાખી શકે? એણે કહ્યું વધારેમાં વધારે 10 થી 15 મિનિટ સુધી અને પછી તો એ ગ્લાસ 15 કિલો જેટલો ભારે લાગે. મેં કહ્યું ગ્લાસનું વજન ભૌતિક રીતે વધવાનું નથી પણ આપણી ક્ષમતા કરતા વધારે સમય પકડી રાખવાથી તે બોઝીલ લાગે એવું જ દુઃખી કરતા વિચારોનું છે, બની શકે એટલું જલ્દી એવા વિચારોને પડતા મૂકવામાં જ હિત છે.

મેં કહ્યું “યાગોબ, દારફરના લોકોની જેમ, જેમણે બધું ગુમાવ્યું છતાં આશા નથી છોડી, તું પણ મજબૂત બન. પ્રેમ ક્યારેક આપણને નવી રીતે જીવવાની તાકાત આપે છે. અલ્લાહની યોજના પર ભરોસો રાખ. દારફરની ધરતી, જે યુદ્ધની આગમાંથી ફરી ખીલવા ખીલવાની શક્તિ ધરાવે છે તેમ તારા જીવનમાં પણ ફરી ખુશી આવશે.”

બીજા દિવસે, યાગોબે કેમ્પમાં વૃદ્ધો સાથે વધુ સમય વિતાવ્યો. એક બાળકે યાગોબનો હાથ પકડીને રમવા બોલાવ્યો, અને યાગોબના ચહેરા પર મેં સ્મિત જોયું. તે દિવસે મને લાગ્યું કે યાગોબનું હૃદય ધીમે ધીમે રૂઝાઈ રહ્યું છે. અમે બે દિવસો મોરનીમાં વિતાવ્યા અને પરત જેનેઇના આવ્યા.

મોરનીની વિઝીટ પૂરી કરી અમે બંને ત્રીજા દિવસે સવારે હેલિકોપ્ટર મારફતે જેનેઇના જવા રવાના થયા, સાથે બીજી સંસ્થાઓના કર્મચારીઓ (મહિલાઓ અને પુરુષો) પણ હતા જેઓ બધા કુલબુસ જવાના હતા જ્યાં યુદ્ધથી વિસ્થાપિત થયેલા લોકોનો મોટો કેમ્પ હતો, મોરની થી નીકળ્યા બાદ 20 મિનિટમાં જ હેલિકોપ્ટર કુલબુસ હેલિપેડ પર ઉતર્યું, યાગોબ બારી તરફની સીટમાં બેઠો હતો અને હું એની બાજુમાં. બધા મુસાફરો હેલિકોપ્ટરમાંથી નીચે ઉતર્યા, તેઓ હેલિકોપ્ટરથી 70 ફૂટ દૂર ગયા, યાગોબ મને કહે જુઓને શસ્ત્રધારી લૂંટારુઓ મુસાફરોને લૂંટવા આવ્યા છે, મેં જોયું તો મુસાફરોએ હાથ અધ્ધર કર્યા હતા અને એમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, સેટેલાઇટ ફોન, લેપટોપ, ઘડિયાળો, એમના થેલા બધું જ શસ્ત્રધારી લૂંટારુઓ પડાવી રહ્યા હતા. એક લૂંટારુ એકે- 47 લઈને હેલિકોપ્ટર તરફ આવતો હતો, એણે પહેલા હેલિકોપ્ટર પર પથ્થર ફેંક્યા અને પછી ફાયરિંગ શરુ કર્યું. યાગોબે મારી પાસથી મારો પાસપોર્ટ અને થોડા ડોલર હતા તે લઇ લીધા અને ફ્લોર પરની પ્લાસ્ટિક શીટ નીચે સંતાડી દીધા અને એણે મને 50 સુદાનીસ પાઉન્ડ આપ્યા અને કહ્યું કે લૂંટારુ હવે અંદર આવશે એ માંગે તો આપી દેવાના, એવામાં હેલિકોપ્ટરનો સહ પાયલટ અમારી પાસે આવીને કહ્યું ગભરાશો નહિ જો લૂંટારુ અંદર આવે તો તમારી પાસે જે માંગે તે આપી દેજો પણ એ પહેલા તમે બંને સીટમાંથી નીચે ઉતરી ફ્લોર પર લેટી જાઓ, અમે બંનેએ એની સૂચનાનો તરત જ અમલ કરી દીધો. સદ્નસીબે લૂંટારુઓ હેલિકોપ્ટરની અંદર ન આવ્યા. અમે અંદાજ લગાવ્યો કે લૂંટારૂઓને એમ કે હેલિકોપ્ટરમાં કોઈ મુસાફરો નથી. લૂંટારુઓ ત્યાંથી તરત જ નીકળી ગયા, આખી ઘટના 10 -15 મિનિટમાં પૂરી થઇ ગઈ. ગભરાયેલા બધા મુસાફરો હેલિકોપ્ટરમાં પરત આવ્યા, એમાંથી એક મજબૂત પુરુષનો ચહેરો છોલાઈ ગયો હતો કારણ કે એક લૂંટારુએ એને ઉલટો સુવાડી એના માથા પર બૂટથી ઘસ્યો હતો, હેલિકોપ્ટરમાં રાખેલી ફર્સ્ટ એઇડની સામગ્રીથી મેં એનું ડ્રેસિંગ કર્યું. અમને બધાને લઈને હેલિકોપ્ટર જેનેઇના જવા ટેક ઓફ થયું.

આ ઘટનાના સમાચાર વાયુવેગે જેનેઇનાની રાષ્ટ્રસંઘની સ્થાનિક ઓફિસે અને માનવસેવી સંસ્થાઓમાં પહોંચી ગયા હતા. અમે બંને અમારી જેનેઇના ઓફિસે પહોંચ્યા, અમારા બધા સહકર્મીઓ મુખ્ય દરવાજા પર અમારી રાહ જોઈને ઉભા હતા, અમને હેમખેમ જોઈને તેઓ ખૂબ ખુશ થયા, બધા પુરુષ કર્મચારીઓ અમને વારાફરતી ભેટ્યા, મહિલા કર્મચારીઓએ અમારી સાથે હાથ મિલાવ્યા. મેં કહ્યું ચાલો બધા ચા-કોફી પીએ. હેલિકોપ્ટરમાં યાગોબ લૂંટારુ જે દિશામાંથી ફાયરિંગ કરતા હતા તે દિશા તરફ મારી ના છતાં હઠ કરીને સૂતો હતો અને પછી હું, એ વખતે અમારી પાસે દલીલ કરવાનો સમય નહોતો પણ ચા પીતા પીતા મેં પૂછ્યું યાગોબ કેમ તેં જીદ કરી હતી? એ બોલ્યો કે “તમે મારા અને આ દેશના મહેમાન છો, અમારી સંસ્કૃતિ મુજબ મહેમાનનું યજમાન પહેલા મૃત્યુ થાય તો અમારી આવનારી 7 પેઢીઓ સુધી મારા વંશજોને લોકો મેણાં મારે કે યાગોબે મહેમાનની સલામતીની દરકાર ન કરી. તમારા પહેલા ગોળી મને વાગવી જોઈએ અને એમ કરીને તમને બચાવી લેવા એ મારી ફરજ છે.”

યાગોબ અને હું રોજ મળતા, મોટેભાગે ગેતાનની હાજરીમાં કારણ કે તેઓ બંને એક ઓફિસમાં બેસતા હતા અને મારી ઓફિસ બાજુના રૂમમાં હતી. એક મહિનો વીત્યો હશે ને એક દિવસ યાગોબ મારી ઓફિસમાં આવ્યો, તેનો ચહેરો ખુશીથી ઝળહળતો હતો, તેણે કહ્યું “મારે તને ખુશખબર આપવા છે! આવતા મહિને મારા લગ્ન છે, મેં પૂછ્યું કોણ છે એ ભાગ્યશાળી મહિલા? એ બોલ્યો એનું નામ અઝીઝા છે !” તેણે અઝીઝાનો ફોટો બતાવ્યો, એક યુવતી, જેની આંખોમાં મને દયા અને સૌમ્યતા દેખાઈ હતી. મેં કહ્યું અલહમદુલઈલ્લાહ (અલ્લાહનો આભાર), યાગોબ તને ખૂબ ખૂબ અભિનંદન. એ મને ભેટી પડ્યો, મારી આંખો ભીની થઇ ગઈ.

એજ દિવસે સાંજે ગેતાન સાથે જમતા જમતા મેં એને કહ્યું, “જેમ દારફરની ધરતી, યુદ્ધના ઘા વચ્ચે જીવનના રંગો ઉજવે છે, તેમ યાગોબના જીવનમાં નવો પ્રકાશ આવ્યો છે” ગેતાન કહે એને પણ યાગોબે ખુશીના સમાચાર આપ્યા છે. જમ્યા પછી હું મારા રૂમમાં સૂવા ગયો અને પલંગમાં સૂતા સૂતા વિચારતો રહ્યો કે દારફરની આ ધરતી, તેના યુદ્ધો અને વેદનાઓ છતાં, હંમેશા જીવનની નવી શરૂઆતોને જન્મ આપે છે.

  • કુલદીપ સગર
Visited 20 times, 1 visit(s) today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *